07-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્યારે પણ સમય મળે તો એકાંત માં બેસી સાચાં માશૂક ને યાદ કરો કારણકે યાદ થી જ સ્વર્ગ ની બાદશાહી મળશે”

પ્રશ્ન :-
બાપ મળ્યાં છે તો કયું અલબેલાપણું સમાપ્ત થઈ જવું જોઈએ?

ઉત્તર :-
કેટલાંક બાળકો અલબેલા થઈ કહે છે અમે તો બાબા નાં છીએ જ. યાદ ની મહેનત નથી કરતાં. ઘડી-ઘડી યાદ ભૂલાઈ જાય છે. આ જ છે અલબેલાપણું. બાબા કહે છે બાળકો, જો યાદ માં રહો તો અંદર સ્થાઈ ખુશી રહેશે. કોઈ પણ પ્રકાર નાં ઘુટકા નહીં આવશે. જેમ બાંધેલીઓ યાદ માં તડપે છે, દિવસ-રાત યાદ કરે છે, એમ તમને પણ નિરંતર યાદ રહેવી જોઈએ.

ગીત :-
તકદીર જગાકર આઈ હૂઁ…

ઓમ શાંતિ!
બાપે બાળકો ને સમજાવ્યું છે - તમે પણ કહો છો ઓમ્ શાંતિ. બાપ પણ કહે છે ઓમ્ શાંતિ અર્થાત્ તમે આત્માઓ શાંત સ્વરુપ છો. બાપ પણ શાંત સ્વરુપ છે, આત્મા નો સ્વધર્મ શાંત છે. પરમાત્મા નો પણ સ્વધર્મ શાંત છે. તમે પણ શાંતિધામ માં રહેવા વાળા છો. બાપ પણ કહે છે - હું પણ ત્યાંનો રહેવા વાળો છું. આપ બાળકો પુનર્જન્મ માં આવો છો, હું નથી આવતો. હું આ રથ માં પ્રવેશ કરું છું. આ મારો રથ છે. શંકર ને જો પૂછશે, પૂછી તો નથી શકતાં પરંતુ સમજો સૂક્ષ્મવતન માં જઈને કોઈ પૂછે તો કહેશે આ સૂક્ષ્મ શરીર મારું છે. શિવબાબા કહે છે આ મારું શરીર નથી. આ મેં ઉધાર લીધું છે કારણકે મારે પણ કર્મેન્દ્રિયો નો આધાર જોઈએ. પહેલી-પહેલી મુખ્ય વાત સમજાવવાની છે કે પતિત-પાવન, જ્ઞાન નાં સાગર શ્રીકૃષ્ણ નથી. શ્રીકૃષ્ણ સર્વ આત્માઓ ને પતિત થી પાવન નથી બનાવતા, એ તો આવીને પાવન દુનિયા માં રાજ્ય કરે છે. પહેલાં પ્રિન્સ (રાજકુમાર) બને છે પછી મહારાજા બને છે. એમનામાં પણ આ જ્ઞાન નથી. રચના નું જ્ઞાન તો રચયિતા માં જ હશે ને? શ્રીકૃષ્ણ ને રચના કહેવાય છે. રચયિતા બાપ જ આવીને જ્ઞાન આપે છે. હમણાં બાપ રચી રહ્યાં છે, કહે છે તમે મારા બાળકો છો. તમે પણ કહો છો બાબા, અમે તમારા છીએ. કહેવાય પણ છે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ની સ્થાપના. નહીં તો બ્રાહ્મણ ક્યાંથી આવ્યાં? સૂક્ષ્મવતન વાળા બ્રહ્મા કોઈ બીજા નથી. ઉપરવાળા સો નીચેવાળા સો ઉપરવાળા. એક જ છે. અચ્છા, વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણ પણ એક જ વાત છે. એ ક્યાનાં છે? બ્રહ્મા સો વિષ્ણુ બને છે. બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ પછી એ જ આખાં કલ્પ ૮૪ જન્મ પછી આવીને સંગમ પર બ્રહ્મા-સરસ્વતી બને છે. લક્ષ્મી-નારાયણ પણ મનુષ્ય છે, એમનો દેવી-દેવતા ધર્મ છે. વિષ્ણુ ને પણ ૪ ભુજાઓ આપી છે. આ પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે. ભારત માં શરુઆત થી જ પ્રવૃત્તિ માર્ગ ચાલ્યો આવે છે એટલે વિષ્ણુ ને ૪ ભુજાઓ આપી છે. અહીં છે બ્રહ્મા-સરસ્વતી, એ સરસ્વતી એડોપ્ટેડ બાળકી છે. આમનું અસલ નામ લખીરાજ હતું, પછી આમનું નામ રાખ્યું બ્રહ્મા. શિવબાબાએ આમનાં માં પ્રવેશ કર્યો અને રાધે ને પોતાની બનાવી, નામ રાખ્યું સરસ્વતી. સરસ્વતી નાં બ્રહ્મા કોઈ લૌકિક બાપ નથી. આ બંને નાં લૌકિક બાપ પોત-પોતાનાં હતાં. હવે તે નથી. આ શિવબાબાએ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યા છે. તમે છો એડોપ્ટેડ બાળકો. બ્રહ્મા પણ શિવબાબા નું બાળક છે. બ્રહ્મા નાં મુખ કમળ થી રચે છે એટલે બ્રહ્મા ને પણ માતા કહેવાય છે. તુમ માત પિતા હમ બાલક તેરે, તુમ્હરી કૃપા સે સુખ ઘનેરે… ગાય છે ને? તમે બ્રાહ્મણ આવીને બાળક બન્યાં છો. આમાં સમજવાની બુદ્ધિ ખૂબ સારી જોઈએ. આપ બાળકો શિવાબાબા પાસે થી વારસો લો છો. બ્રહ્મા કોઈ સ્વર્ગ નાં રચયિતા કે જ્ઞાન સાગર નથી. જ્ઞાન નાં સાગર એક જ બાપ છે. આત્મા નાં બાપ જ જ્ઞાન નાં સાગર છે. આત્મા પણ જ્ઞાન સાગર બને છે પરંતુ આમને જ્ઞાન સાગર નહીં કહેવાશે કારણકે સાગર એક જ છે. તમે બધા નદીઓ છો. સાગર ને પોતાનું શરીર નથી. નદીઓ ને છે. તમે છો જ્ઞાન-નદીઓ. કલકત્તા માં બ્રહ્મપુત્રા નદી ખૂબ મોટી છે કારણકે તેનું સાગર સાથે કનેક્શન (સંબંધ) છે. તેનો મેળો ખૂબ મોટો લાગે છે. અહીં પણ મેળો લાગે છે. સાગર અને બ્રહ્મપુત્રા બંને કમ્બાઈન્ડ (સંયુક્ત) છે. આ છે ચૈતન્ય, તે છે જડ. આ વાતો બાપ સમજાવે છે. શાસ્ત્રો માં નથી. શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નો ડિપાર્ટમેન્ટ (વિભાગ). આ છે જ્ઞાનમાર્ગ, તે છે ભક્તિમાર્ગ. અડધોકલ્પ ભક્તિમાર્ગ નો ડિપાર્ટમેન્ટ ચાલે છે. તેમાં જ્ઞાન-સાગર નથી. પરમપિતા પરમાત્મા, જ્ઞાન નાં સાગર બાપ સંગમ પર આવીને જ્ઞાન-સ્નાન દ્વારા સર્વ ની સદ્દગતિ કરે છે.

તમે જાણો છો કે આપણે બેહદ નાં બાપ પાસે થી સ્વર્ગ નાં સુખો ની તકદીર બનાવી રહ્યાં છીએ. બરોબર આપણે સતયુગ, ત્રેતા માં પૂજ્ય દેવી-દેવતા હતાં. હમણાં આપણે પુજારી મનુષ્ય છીએ. પછી મનુષ્ય થી તમે દેવતા બનો છો. બ્રાહ્મણ સો દેવતા ધર્મ માં આવ્યાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. ૮૪ જન્મ લેતાં-લેતાં નીચે ઉતરવું પડ્યું છે. આ પણ તમને બાપે બતાવ્યું છે. તમે પોતાનાં જન્મો ને નહોતાં જાણતાં. ૮૪ જન્મ પણ તમે જ લો છો. જે પહેલાં-પહેલાં આવે છે, તે જ પૂરાં ૮૪ જન્મ લે છે. યોગ થી જ ખાદ નીકળે છે, યોગ માં જ મહેનત છે. ભલે કેટલાંક બાળકો જ્ઞાન માં હોંશિયાર છે પરંતુ યોગ માં કાચાં છે. બાંધેલીઓ યોગ માં છૂટેલીઓ કરતાં પણ સારી છે. તે તો શિવબાબા ને મળવા માટે રાત-દિવસ તડપે છે. તમે મળ્યાં છો. તમને કહેવાય છે યાદ કરો તો તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો. તમને તોફાન ખૂબ આવે છે. તે યાદ માં તડપે છે. તમે તડપતા નથી. તેમનું ઘરે બેઠાં પણ ઊંચ પદ થઈ જાય છે. આપ બાળકો જાણો છો - બાબા ની યાદ માં રહેવાથી આપણને સ્વર્ગ ની બાદશાહી મળશે. જેમ બાળક ગર્ભ માંથી નીકળવા માટે તડપે છે. તેમ બંધેલીઓ તડપતાં-તડપતાં પોકારે છે, શિવબાબા આ બંધન થી કાઢો. દિવસ-રાત યાદ કરે છે. તમને બાપ મળ્યાં છે તો તમે અલબેલા બની ગયા છો. આપણે બાબા નાં બાળકો છીએ. આપણે આ શરીર છોડી જઈ પ્રિન્સ બનીશું, આ અંદર માં સ્થાઈ ખુશી રહેવી જોઈએ. પરંતુ માયા યાદ રાખવા નથી દેતી. યાદ થી ખૂબ ખુશી માં રહેશો. યાદ નહીં કરશો તો ઘુટકા ખાતા રહેશો. અડધોકલ્પ તમે રાવણ રાજ્ય માં દુઃખ જોયું છે. અકાળે મૃત્યુ થતું આવ્યું છે. દુઃખ તો છે જ છે. ભલે કેટલાં પણ સાહૂકાર હોય, દુઃખ તો થાય છે. અકાળે મૃત્યુ થઈ જાય છે. સતયુગ માં આવી રીતે અકાળે નથી મરતા, ક્યારેય બીમાર નહીં થશે. સમય પર બેઠાં-બેઠાં જાતે જ એક શરીર છોડી બીજું લઈ લે છે. એનું નામ જ છે - સુખધામ. મનુષ્ય તો સ્વર્ગ ની વાતો ને કલ્પના સમજે છે. કહેશે, સ્વર્ગ ક્યાંથી આવ્યું? તમે જાણો છો આપણે તો સ્વર્ગ માં રહેવા વાળા છીએ પછી ૮૪ જન્મ લઈએ છીએ. આ આખો ખેલ ભારત પર જ બનેલો છે. તમે જાણો છો આપણે ૨૧ જન્મ પાવન દેવતા હતાં પછી આપણે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. હવે ફરી બ્રાહ્મણ બન્યાં છીએ. આ સ્વદર્શન ચક્ર ખૂબ સહજ છે. આ શિવબાબા બેસીને સમજાવે છે.

તમે જાણો છો શિવબાબા બ્રહ્મા નાં રથ માં આવ્યાં છે, જે બ્રહ્મા છે એ જ સતયુગ આદિ માં શ્રીકૃષ્ણ હતાં. ૮૪ જન્મ લઈ પતિત બન્યાં છે પછી એમનામાં બાપે પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. સ્વયં કહે છે મેં આ તન નો આધાર લઈ તમને પોતાનાં બનાવ્યાં છે. પછી તમને સ્વર્ગ ની રાજધાની ને લાયક બનાવું છું, જે લાયક બનશે તે જ રાજધાની માં આવશે. આમાં મેનર્સ (સભ્યતા) સારા જોઈએ. મુખ્ય છે જ પવિત્રતા. આનાં પર અબળાઓ પર અત્યાચાર થાય છે. ક્યાંક-ક્યાંક પુરુષો પર પણ અત્યાચાર થાય છે. વિકાર માટે એક-બીજા ને હેરાન કરે છે. અહીં માતાઓ ખૂબ હોવાનાં કારણે શક્તિ સેના નામ ગવાયેલું છે, વંદે માતરમ્. હમણાં તમે જ્ઞાન-ચિતા પર બેઠાં છો કામ-ચિતા થી ઉતરી ગોરા બનવા માટે. દ્વાપર થી લઈને કામ-ચિતા પર બેઠાં છો. એક-બીજા ને વિકાર આપવાનું બંધન વિકારી બ્રાહ્મણ બાંધે છે. તમે છો નિર્વિકારી બ્રાહ્મણ. તમે તે કેન્સલ કરાવી જ્ઞાન-ચિતા પર બેસાડો છો. કામ-ચિતા થી કાળા બન્યાં છો, જ્ઞાન-ચિતા થી ગોરા બની જશો. બાપ કહે છે ભલે સાથે રહો પરંતુ પ્રતિજ્ઞા કરવાની છે અમે વિકાર માં નહીં જઈશું, એટલે બાબા વીંટી પણ પહેરાવે છે. શિવબાબા, બાબા પણ છે, સાજન પણ છે. બધી સીતાઓ નાં રામ છે. એ જ પતિત-પાવન છે. બાકી રઘુપતિ રાઘવ રાજારામ ની વાત નથી. એમણે સંગમ પર જ આ પ્રારબ્ધ મેળવી હતી. એમને હિંસક બાણ દેખાડવા ખોટું છે. ચિત્ર માં પણ ન આપવા જોઈએ. ફક્ત લખવાનું છે ચંદ્રવંશી. બાળકોએ સમજાવવું જોઈએ શિવબાબા આમનાં દ્વારા આપણને આ ચક્ર નાં રહસ્ય સમજાવી રહ્યાં છે. સત્ય-નારાયણ ની કથા હોય છે ને? તે છે મનુષ્યો ની બનાવેલી કથા. નર થી નારાયણ તો કોઈ બનતા નથી. સત્ય નારાયણ ની કથા નો અર્થ જ છે નર થી નારાયણ બનવું. અમરકથા પણ સંભળાવે છે પરંતુ અમરપુરી માં તો કોઈ જતું નથી. મૃત્યુલોક ૨૫૦૦ વર્ષ ચાલે છે. તીજરી ની કથા માતાઓ સાંભળે છે. હકીકત માં આ છે ત્રીજું જ્ઞાન નું નેત્ર આપવાની કથા. હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર આત્મા ને મળ્યું છે તો આત્મ-અભિમાની બનવાનું છે. હું આ શરીર દ્વારા હવે દેવતા બનું છું. મારા માં જ સંસ્કાર છે. મનુષ્ય બધા દેહ-અભિમાની છે. બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે. લોકો પછી કહી દે છે આત્મા પરમાત્મા એક છે. પરમાત્માએ આ બધા રુપ ધારણ કર્યા છે. બાપ કહે છે આ બધું ખોટું છે, આને મિથ્યા અભિમાન, મિથ્યા જ્ઞાન કહેવાય છે. બાપ બતાવે છે હું બિંદુ જેવો છું. તમે પણ નહોતાં જાણતા, આ પણ નહોતાં જાણતાં. હવે બાપ સમજાવે છે - આમાં સંશય ન આવવો જોઈએ. નિશ્ચય હોવો જોઈએ. બાબા જરુર સત્ય જ બોલે છે, સંશયબુદ્ધિ વિનશ્યન્તી. તે પૂરો વારસો નહીં મેળવશે. આત્મ-અભિમાની બનવામાં જ મહેનત છે. ભોજન બનાવતા બુદ્ધિ બાપ ની તરફ લાગેલી રહે. દરેક વાત માં આ પ્રેક્ટિસ કરવી જોઈએ. રોટલી વણતા, પોતાનાં માશૂક ને યાદ કરતા રહેવું - આ અભ્યાસ દરેક વાત માં જોઈએ. જેટલો સમય ફુરસદ મળે યાદ કરવાના છે. યાદ થી જ તમે સતોપ્રધાન બનશો. ૮ કલાક કર્મ કરવા માટે છૂટ છે. વચ્ચે પણ એકાંત માં જઈને બેસવું જોઈએ, તમારે બધાને બાપ નો પરિચય પણ સંભળાવવાનો છે. આજે નહીં સાંભળશે તો કાલે સાંભળશે. બાપ સ્વર્ગ સ્થાપન કરે છે, આપણે સ્વર્ગ માં હતાં પછી હમણાં નર્કવાસી બન્યાં છીએ. હવે ફરી બાપ પાસે થી વારસો મળવો જોઈએ. ભારતવાસીઓ ને સમજાવે છે. બાપ આવે પણ ભારત માં જ છે. જુઓ, તમારી પાસે મુસલમાન લોકો પણ આવે છે, તે પણ સેવાકેન્દ્ર સંભાળે છે. કહે છે શિવબાબા ને યાદ કરો. સિક્ખ પણ આવે છે, ક્રિશ્ચન પણ આવે છે, આગળ ચાલીને ખૂબ આવશે. આ જ્ઞાન બધા માટે છે કારણકે આ છે જ સહજ યાદ અને સહજ વારસો બાપ નો. પરંતુ પવિત્ર તો જરુર બનવું પડશે. દે દાન તો છૂટે ગ્રહણ. હમણાં ભારત પર રાહુ નું ગ્રહણ છે પછી બ્રહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા શરુ થશે ૨૧ જન્મો માટે. પહેલાં હોય છે બ્રહસ્પતિ ની દશા. પછી શુક્ર ની દશા. સૂર્યવંશીઓ પર બ્રહસ્પતિ ની દશા, ચંદ્રવંશીઓ પર શુક્ર ની દશા કહેવાશે. પછી દશા ઓછી થતી જાય છે. સૌથી ખરાબ છે રાહુ ની દશા. બ્રહસ્પતિ કોઈ ગુરુ નથી હોતાં. આ દશા છે વૃક્ષપતિ ની. વૃક્ષપતિ બાપ આવે છે તો બ્રહસ્પતિ અને શુક્ર ની દશા થાય છે. રાવણ આવે છે તો રાહુ ની દશા થઈ જાય છે. આપ બાળકો પર હમણાં બ્રહસ્પતિ ની દશા બેસે છે. ફક્ત વૃક્ષપતિ ને યાદ કરો, પવિત્ર બનો, બસ. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક કાર્ય કરતા આત્મ-અભિમાની બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. દેહ નો અહંકાર સમાપ્ત થઈ જાય. આનાં માટે જ મહેનત કરવાની છે.

2. સતયુગી રાજાઈ ને લાયક બનવા માટે પોતાનાં મેનર્સ (સભ્યતા) રોયલ બનાવવાનાં છે. પવિત્રતા જ સૌથી ઊંચી ચલન છે. પવિત્ર બનવાથી જ પવિત્ર દુનિયા નાં માલિક બનશો.

વરદાન :-
કરન - કરાવનહાર ની સ્મૃતિ દ્વારા સહજયોગ નો અનુભવ કરવા વાળા સફળતા મૂર્ત ભવ

કોઈ પણ કાર્ય કરતા આ જ સ્મૃતિ રહે કે આ કાર્ય નાં નિમિત્ત બનાવવા વાળા બેકબોન (કરાવનહાર) કોણ છે? બેકબોન વગર કોઈ પણ કર્મ માં સફળતા નથી મળી શકતી એટલે કોઈ પણ કાર્ય કરતા ફક્ત આ વિચારો હું નિમિત્ત છું, કરાવવા વાળા સ્વયં સર્વ સમર્થ બાપ છે. આ સ્મૃતિ માં રાખી કર્મ કરો તો સહજયોગ ની અનુભૂતિ થતી રહેશે. પછી આ સહજયોગ ત્યાં સહજ રાજ્ય કરાવશે. અહીં નાં સંસ્કાર ત્યાં લઈ જશો.

સ્લોગન :-
ઈચ્છાઓ પડછાયા સમાન છે તમે પીઠ કરી દો તો પાછળ-પાછળ આવશે.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

મધુરતા એવી વિશેષ ધારણા છે જે કડવી ધરણી ને પણ મધુર બનાવી દે છે. તમને બધાને બદલવાનો આધાર બાપ નાં બે મધુર બોલ છે. મીઠાં બાળકો તમે મીઠાં શુદ્ધ આત્મા છો. આ બે મધુર બોલે જ બદલી દીધાં. મીઠી દૃષ્ટિએ બદલી દીધાં. એવી રીતે જ મધુરતા દ્વારા બીજાઓ ને પણ મધુર બનાવો. આ મુખ મીઠું કરો. સદા આ મધુરતા ની સોગાત ને સાથે રાખો. આનાંથી જ સદા મીઠાં રહેશો અને મીઠાં બનાવશો.