10-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - લક્ષ ને સદા સામે રાખો તો દૈવી ગુણ આવતા જશે . હવે પોતાની સંભાળ કરવાની છે , આસુરી ગુણો ને કાઢી દૈવી ગુણ ધારણ કરવાના છે”

પ્રશ્ન :-
આયુષ્યવાન ભવ નું વરદાન મળવા છતાં પણ લાંબા આયુષ્ય માટે કઈ મહેનત કરવાની છે?

ઉત્તર :-
લાંબા આયુષ્ય માટે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની મહેનત કરો. જેટલાં બાપ ને યાદ કરશો એટલાં સતોપ્રધાન બનશો અને આયુષ્ય લાંબુ થશે પછી મૃત્યુ નો ડર નીકળી જશે. યાદ થી દુઃખ દૂર થઈ જશે. તમે ફૂલ બની જશો. યાદ માં જ ગુપ્ત કમાણી છે. યાદ થી પાપ કપાઈ જાય છે. આત્મા હલ્કો થઈ જાય છે. આયુષ્ય લાંબુ થતું જાય છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવી રહ્યા છે, ભણાવી પણ રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? મીઠાં બાળકો, તમને એક તો આયુષ્ય લાંબુ જોઈએ કારણ કે તમારું આયુષ્ય ખૂબ લાંબુ હતું. ૧૫૦ વર્ષ નું આયુષ્ય હતું, લાંબુ આયુષ્ય કેવી રીતે મળે છે? તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાથી. જ્યારે તમે સતોપ્રધાન હતાં તો તમારું આયુષ્ય ખૂબ લાંબુ હતું. હમણાં તમે ઉપર ચઢી રહ્યા છો. જાણો છો આપણે તમોપ્રધાન બન્યા તો આપણું આયુષ્ય ઓછું થઈ ગયું હતું. તંદુરસ્તી પણ ઠીક નહોતી. બિલકુલ જ રોગી બની ગયા હતાં. આ જીવન જૂનું છે, નવા સાથે સરખામણી કરાય છે. હમણાં તમે જાણો છો બાપ આપણને લાંબુ આયુષ્ય બનાવવાની યુક્તિઓ બતાવે છે. મીઠાં-મીઠાં બાળકો, મને યાદ કરશો તો તમે જેવા સતોપ્રધાન હતાં લાંબા આયુષ્ય વાળા, તંદુરસ્ત હતાં, એવા ફરીથી બની જશો. આયુષ્ય ઓછુ હોવાથી મરવાનો ડર રહે છે. તમને તો ગેરંટી મળે છે કે સતયુગ માં આમ અચાનક ક્યારેય મરશો નહીં. બાપ ને યાદ કરતા રહેશો તો આયુષ્ય લાંબુ થશે અને બધાં દુઃખ પણ દૂર થઈ જશે. કોઈ પણ પ્રકાર નું દુઃખ નહીં હશે, બીજું તમને શું જોઈએ? તમે કહો છો ઊંચ પદ પણ જોઈએ. તમને ખબર નહોતી કે એવું પદ પણ મળી શકે છે. હમણાં બાપ યુક્તિ બતાવે છે-આવી રીતે કરો. મુખ્ય લક્ષ સામે છે. તમે આવું પદ મેળવી શકો છો. અહીં જ દૈવી ગુણ ધારણ કરવાના છે. પોતાને પૂછવાનું છે મારા માં કોઈ અવગુણ તો નથી? અવગુણ પણ અનેક પ્રકારના છે. સિગરેટ પીવી, છી-છી વસ્તુ ખાવી આ અવગુણ છે. સૌથી મોટો અવગુણ છે વિકાર નો, જેને ખરાબ ચરિત્ર કહેવાય છે. બાપ કહે છે તમે વિશશ (વિકારી) બની ગયા છો. હવે વાઈસલેસ (નિર્વિકારી) બનાવવાની તમને યુક્તિ બતાવે છે, એમાં આ વિકારો ને, અવગુણો ને છોડી દેવાના છે. ક્યારેય પણ વિશશ નથી બનવાનું. આ જન્મ માં જે સુધારશે તો તે સુધાર ૨૧ જન્મો સુધી ચાલવાનો છે. સૌથી જરુરી વાત છે વાઈસલેસ બનવું. જન્મ-જન્માંતર નો જે બોજો માથા પર ચઢેલો છે, તે યોગબળ થી જ ઉતરશે. બાળકો જાણે છે જન્મ-જન્માંતર આપણે વિશશ બન્યા છીએ. હવે બાપ સાથે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે ફરી ક્યારેય વિશશ નહીં બનીશું. બાપે કહ્યું છે જો પતિત બન્યા તો સો-ગણો દંડ પણ ખાવો પડશે અને પછી પદ પણ ભ્રષ્ટ થઈ જશે કારણ કે નિંદા કરાવી ને? તો એ તરફ (વિશશ મનુષ્યની તરફ) ચાલ્યા ગયાં. એવી રીતે ઘણાં ચાલ્યા જાય છે અર્થાત્ હાર ખાઈ લે છે. પહેલાં તમને ખબર નહોતી કે આ વિકાર નો ધંધો ન કરવો જોઈએ. કોઈ-કોઈ સારા બાળકો હોય છે, કહે છે અમે બ્રહ્મચર્ય માં રહીશું. સંન્યાસીઓ ને જોઈ સમજે છે, પવિત્રતા સારી છે. પવિત્ર અને અપવિત્ર, દુનિયામાં અપવિત્ર તો ખૂબ રહે છે. પાયખાના માં (જાજરુ) જવું પણ અપવિત્ર બનવું છે એટલે તરત સ્નાન કરવું જોઈએ. અપવિત્રતા અનેક પ્રકારની હોય છે. કોઈને દુઃખ આપવું, લડવું-ઝઘડવું પણ અપવિત્ર કર્તવ્ય છે. બાપ કહે છે જન્મ-જન્માંતર તો તમે પાપ કર્યા છે. તે બધી આદતો હવે કાઢી નાખવાની છે. હવે તમારે સાચાં-સાચાં મહાન આત્મા બનવાનું છે. સાચાં-સાચાં મહાન આત્મા તો આ લક્ષ્મી-નારાયણ જ છે બીજા કોઈ તો અહીં બની ન શકે કારણ કે બધાં તમોપ્રધાન છે. ગ્લાનિ પણ ખૂબ કરે છે ને? એમને ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ? એક હોય છે ગુપ્ત પાપ, બીજા પ્રત્યક્ષ પાપ પણ હોય છે. આ છે જ તમોપ્રધાન દુનિયા. બાળકો જાણે છે બાપ આપણને હમણાં સમજદાર બનાવી રહ્યા છે એટલે એમને બધાં યાદ કરે છે. સૌથી સારી સમજ તમને મળે છે કે પાવન બનવાનું છે અને પછી ગુણ પણ જોઈએ. દેવતાઓ ની આગળ જે તમે મહિમા ગાતા આવ્યા છો, હવે એવાં તમારે બનવાનું છે. બાપ સમજાવે છે મીઠાં- મીઠાં બાળકો, તમે કેટલાં મીઠાં-મીઠાં ગુલ-ગુલ ફૂલ હતાં પછી કાંટા બની પડ્યા છો. હવે બાપ ને યાદ કરો તો યાદ થી તમારું આયુષ્ય લાંબુ થશે. પાપ પણ ભસ્મ થશે. માથા થી બોજો હળવો થશે. પોતાની સંભાળ કરવાની છે. મારા માં કયા-કયા અવગુણ છે તે કાઢવાનાં છે. જેવી રીતે નારદ નું દૃષ્ટાંત છે, એમને કહ્યું તમે લાયક છો? એમણે જોયું કે બરોબર હું લાયક નથી. બાપ તમને ઊંચ બનાવે છે, બાપ નાં તમે બાળકો છો ને? જેવી રીતે કોઈ નાં બાપ મહારાજા હોય છે તો કહેશે ને અમારા બાબા મહારાજ છે. બાબા ખૂબ સુખ આપવા વાળા છે. જે સારા સ્વભાવ નાં મહારાજા હોય છે, એમને ક્યારેય ક્રોધ નથી આવતો. હવે તો ધીરે-ધીરે બધાની કળાઓ ઉતરતી ગઈ છે. બધાં અવગુણ પ્રવેશ કરતા ગયા છે. કળા ઓછી થતી ગઈ છે. તમો થતા ગયા છે. તમોપ્રધાન નો પણ જાણે કે અંત આવીને થયો છે. કેટલાં દુઃખી થઈ ગયા છે. તમારે કેટલું સહન કરવું પડે છે. હવે અવિનાશી સર્જન દ્વારા તમારી દવા થઈ રહી છે. બાપ કહે છે આ ૫ વિકાર તો વારંવાર તમને સતાવશે. તમે જેટલો પુરુષાર્થ કરશો બાપ ને યાદ કરવાનો, એટલી માયા તમને નીચે પાડવાની કોશિશ કરે છે. તમારી અવસ્થા એવી મજબૂત થવી જોઈએ જે કોઈ માયા નાં તોફાન હલાવી ન શકે. રાવણ કોઈ બીજી વસ્તુ નથી કે કોઈ મનુષ્ય નથી. ૫ વિકારો રુપી રાવણ ને જ માયા કહેવાય છે. આસુરી રાવણ સંપ્રદાય તમને ઓળખતા જ નથી કે અંતે આ છે કોણ? આ બી. કે. શું સમજાવે છે? સાચ્ચે કોઈ નથી જાણતાં. આ બી.કે. કેમ કહેવાય છે? બ્રહ્મા કોનાં સંતાન છે? હમણાં તમે બાળકો જાણો છો આપણે પાછા ઘરે જવાનું છે. આ બાપ તમને બાળકોને શિક્ષા આપે છે. આયુષ્યવાન ભવ, ધનવાન ભવ… તમારી બધી કામનાઓ પૂરી કરે છે, વરદાન આપે છે. પરંતુ ફક્ત વરદાન થી કોઈ કામ નથી થતું. મહેનત કરવાની છે. દરેક વાત સમજવાની છે. પોતાને રાજતિલક આપવાના અધિકારી બનવાનું છે. બાપ અધિકારી બનાવે છે. આપ બાળકો ને શિક્ષા આપે છે આમ-આમ કરો. પહેલાં નંબરની શિક્ષા આપે છે મામેકમ્ યાદ કરો. મનુષ્ય યાદ નથી કરતા કારણ કે તે જાણતા જ નથી તો યાદ પણ ખોટી છે. કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે. પછી શિવબાબા ને યાદ કેવી રીતે કરશે? શિવ નાં મંદિર માં જઈને પૂજા કરે, તમે પૂછો એમનું ઓક્યુપેશન બતાવો. તો કહેશે ભગવાન સર્વવ્યાપી છે. પૂજા કરે છે, એમની પાસે રહેમ (દયા) માંગે છે, માંગવાની સાથે પછી કોઈ પૂછે પરમાત્મા ક્યાં છે? તો કહે છે સર્વવ્યાપી છે. ચિત્ર ની સન્મુખ શું કરે છે અને પછી ચિત્ર સન્મુખ નથી તો કળા કાયા જ ચટ થઈ જાય છે. ભક્તિ માં કેટલી ભૂલો કરે છે. તો પણ ભક્તિ થી કેટલો પ્રેમ છે! શ્રીકૃષ્ણ માટે કેટલાં નિર્જળા વગેરે કરે છે. અહીં તમે ભણી રહ્યા છો અને તે ભક્ત લોકો શું-શું કરે છે? તમને હમણાં હસવું આવે છે. ડ્રામા અનુસાર ભક્તિ કરતાં કદમ નીચે ઉતરતા આવ્યા છે. ઉપર તો કોઈ ચઢી ન શકે.

હવે આ છે પુરુષોત્તમ સંગમયુગ, જેની કોઈને ખબર નથી. હમણાં તમે પુરુષોત્તમ બનવા માટે પુરુષાર્થ કરો છો. ટીચર સ્ટુડન્ટ નાં સર્વન્ટ હોય છે ને? સ્ટુડન્ટ ની સેવા કરે છે! ગવર્મેન્ટ સર્વન્ટ છે. બાપ પણ કહે છે-સેવા કરું છું, તમને ભણાવું પણ છું. સર્વ આત્માઓનાં બાપ છે. ટીચર પણ બને છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન પણ સંભળાવે છે. આ જ્ઞાન બીજા કોઈ મનુષ્ય માં હોઈ ન શકે. કોઈ શીખવાડી ન શકે. તમે પુરુષાર્થ જ કરો છો કે અમે આ બનીએ. દુનિયામાં મનુષ્ય કેટલાં તમોપ્રધાન બુદ્ધિ છે. ખૂબ ખૌફનાક દુનિયા છે. જે મનુષ્યોએ ન કરવું જોઈએ તે કરે છે. કેટલાં ખૂન, લૂંટ-માર વગેરે કરે છે. શું નથી કરતાં? ૧૦૦ ટકા તમોપ્રધાન છે. હમણાં તમે પછી ૧૦૦ ટકા સતોપ્રધાન બની રહ્યા છો. એનાં માટે યુક્તિ બતાવી છે યાદ ની યાત્રા. યાદ થી જ વિકર્મ વિનાશ થશે, બાપ ને જઈને મળશો. ભગવાન બાપ આવે કેવી રીતે છે? આ પણ તમે હમણાં સમજો છો. આ રથ માં આવ્યા છે. બ્રહ્મા દ્વારા સંભળાવે છે. જે પછી તમે ધારણ કરી બીજાઓને સંભળાવો છો તો મન થાય છે કે ડાયરેક્ટ સાંભળીએ. બાપ નાં પરિવારમાં જઈએ. અહીં બાપ પણ છે, મા પણ છે, બાળકો પણ છે. પરિવાર માં આવી જાય છે. તે તો દુનિયા જ આસુરી છે. તો આસુરી પરિવાર થી તમે હેરાન થઈ જાઓ છો એટલે ધંધો વગેરે છોડીને બાબાની પાસે રિફ્રેશ થવા આવો છો. અહીં રહે પણ છે બ્રાહ્મણ. તો આ પરિવાર માં આવીને બેસો છો. ઘર માં જશો તો પછી એવો પરિવાર નહીં હશે. ત્યાં તો દેહધારી થઈ જાય, એ ગોરખધંધા થી નીકળીને તમે અહીં આવો છો. હવે બાપ કહે છે દેહ નાં બધાં સંબંધ છોડો. સુગંધિત ફૂલ બનવાનું છે. ફૂલમાં સુગંધ હોય છે. બધાં ઉપાડીને સુગંધ લે છે. આકડા નાં ફૂલ ને નહીં ઉપાડે. તો ફૂલ બનવા માટે પુરુષાર્થ કરવાનો છે એટલે બાબા પણ ફૂલ લઈ આવે છે, આવાં બનવાનું છે. ઘર ગૃહસ્થ માં રહેતા એક બાપ ને યાદ કરવાનાં છે. તમે જાણો છો કે આ દેહ નાં સંબંધ તો ખલાસ થઈ જવાના છે. તમે અહીં ગુપ્ત કમાણી કરી રહ્યા છો. તમારે શરીર છોડવાનું છે, કમાણી કરીને અને ખૂબ ખુશી થી હર્ષિતમુખ થઈ શરીર છોડવાનું છે. હરતાં-ફરતાં પણ બાપ ની યાદ માં રહો તો તમને ક્યારેય થાક નહીં લાગશે. બાપ ની યાદ માં અશરીરી થઈ કેટલાં પણ ચક્ર લગાવો, ભલે અહીં થી નીચે આબુરોડ સુધી ચાલ્યા જાઓ તો પણ થાક નહીં લાગશે. પાપ કપાઈ જશે. હળવા થઈ જશો. તમને બાળકો ને કેટલો ફાયદો થાય છે, તે બીજા કોઈ તો જાણી ન શકે. આખી દુનિયાનાં મનુષ્ય પોકારે છે પતિત-પાવન આવીને પાવન બનાવો. પછી એમને મહાત્મા કેવી રીતે કહેવાશે? પતિત ને પછી માથું થોડી નમાવાય છે? માથું પાવન આગળ નમાવાય છે. કન્યા નું દૃષ્ટાંત - જ્યારે વિકારી બને તો બધાની આગળ માથું નમાવે છે અને પછી પોકારે છે હે પતિત-પાવન આવો. અરે, પતિત બન્યાં જ કેમ, જે પોકારવા પડે? બધાનાં શરીર તો વિકાર ની પેદાશ છે ને કારણ કે રાવણ નું રાજ્ય છે. હવે તમે રાવણ રાજ્ય થી નીકળી આવ્યા છો. આને કહેવાય છે-પુરુષોત્તમ સંગમયુગ. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો રામરાજ્ય માં જવા માટે. સતયુગ છે રામ રાજ્ય. ફક્ત ત્રેતા માં રામરાજ્ય કહો તો પછી સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યાં ગયું? તો આ બધું જ્ઞાન હમણાં આપ બાળકોને મળી રહ્યું છે. નવાં-નવાં પણ આવે છે જેમને તમે જ્ઞાન આપો છો. લાયક બનાવો છો. કોઈ નો સંગ એવો મળે છે જે પછી લાયક થી ન-લાયક બની પડે છે. બાપ પાવન બનાવે છે. તો હવે પતિત બનવાનું જ નથી. જ્યારે બાપ આવ્યા છે પાવન બનાવવા, માયા એવી જબરજસ્ત છે જે પતિત બનાવી દે છે. હરાવી દે છે. કહે છે બાબા, રક્ષા કરો. વાહ, લડાઈ નાં મેદાન માં અનેક મરે છે પછી રક્ષા કરાય છે શું? આ માયા ની ગોળી બંદુક ની ગોળી થી પણ વધારે ભારી છે. કામ ની ચોટ ખાધી એટલે ઉપર થી પડ્યાં. સતયુગ માં બધાં પવિત્ર ગૃહસ્થ ધર્મ વાળા હોય છે જેમને દેવતા કહેવાય છે. હમણાં તમે જાણો છો બાપ કેવી રીતે આવે છે? ક્યાં રહે છે? કેવી રીતે આવીને રાજયોગ શીખવાડે છે? દેખાડે છે અર્જુન નાં રથ પર બેસી જ્ઞાન આપ્યું. પછી એમને સર્વવ્યાપી કેમ કહે છે? બાપ જે સ્વર્ગની સ્થાપના કરે છે એમને જ ભૂલી ગયા છે. હમણાં તે સ્વયં પોતાનો પરિચય આપે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મહાન આત્મા બનવા માટે અપવિત્રતા ની જે પણ ગંદી આદતો છે તે ખતમ કરી દેવાની છે. દુઃખ આપવું, લડવું-ઝઘડવું… આ બધાં અપવિત્ર કર્તવ્ય છે જે તમારે નથી કરવાનાં. પોતે-પોતાને રાજતિલક આપવાના અધિકારી બનાવવાનું છે.

2. બુદ્ધિ ને બધાં ગોરખધંધા થી, દેહધારીઓ થી કાઢી સુગંધિત ફૂલ બનવાનું છે. ગુપ્ત કમાણી જમા કરવા માટે ચાલતાં-ફરતાં અશરીરી રહેવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
પોતાનાં શુભ - ચિંતન ની શક્તિ થી આત્માઓને ચિંતા મુક્ત બનાવવા વાળા શુભચિંતક મણિ ભવ

આજ નાં વિશ્વમાં સર્વ આત્માઓ ચિંતામણિ છે. એ ચિંતા મણીઓ ને તમે શુભચિંતક મણીઓ પોતાનાં શુભચિંતન ની શક્તિ દ્વારા પરિવર્તન કરી શકો છો. જેવી રીતે સૂર્ય નાં કિરણો દૂર-દૂર સુધી અંધકાર ને સમાપ્ત કરી દે છે એવી રીતે આપ શુભ-ચિંતક મણીઓની શુભ સંકલ્પ રુપી ચમક અથવા કિરણો વિશ્વ માં ચારેય તરફ ફેલાઈ રહ્યા છે એટલે સમજે છે કે કોઈ સ્પ્રિચ્યુઅલ લાઈટ ગુપ્ત રુપ માં પોતાનું કાર્ય કરી રહી છે. આ ટચિંગ હમણાં શરુ થઈ છે, અંત માં શોધતા-શોધતા સ્થાન પર પહોંચી જશે.

સ્લોગન :-
બાપદાદા નાં ડાયરેક્શન ને ક્લિયર કેચ કરવા માટે મન-બુદ્ધિ ની લાઈન ક્લિયર રાખો.