23-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા મુખ થી સદૈવ જ્ઞાન - રત્ન નીકળવા જોઈએ , તમારું મુખડું સદૈવ હર્ષિત રહેવું જોઈએ”

પ્રશ્ન :-
જે બાળકોએ બ્રાહ્મણ-જીવન માં જ્ઞાન ની ધારણા કરી છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
૧. એમની ચલન દેવતાઓ જેવી હશે, એમનામાં દૈવીગુણો ની ધારણા હશે. ૨. એમને જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવાનો અભ્યાસ હશે. એ ક્યારેય આસુરી વાતો નું અર્થાત્ વ્યર્થ નું મંથન નહીં કરશે. ૩. એમનાં જીવન માંથી ગાળો આપવાનું અને ગ્લાનિ કરવાનું બંધ થઈ જાય છે. ૪. એમનું મુખડું સદા હર્ષિત રહે છે.

ઓમ શાંતિ!
બાપ બેસીને સમજાવે છે જ્ઞાન અને ભક્તિ ઉપર. આ તો બાળકો સમજી ગયા છે ભક્તિ થી સદ્દગતિ નથી થતી અને સતયુગ માં ભક્તિ હોતી નથી. જ્ઞાન પણ સતયુગ માં મળતું નથી. શ્રીકૃષ્ણ નથી ભક્તિ કરતા, નથી જ્ઞાન ની મોરલી વગાડતાં. મોરલી એટલે જ જ્ઞાન આપવું. ગાયન પણ છે ને મોરલી માં જાદુ. તો જરુર કોઈ જાદુ હશે ને? ફક્ત મોરલી વગાડવી, તે તો સાધારણ ફકીર લોકો પણ વગાડતા રહે છે. આ મોરલી માં જ્ઞાન નું જાદુ છે. અજ્ઞાન ને જાદુ તો નહીં કહેવાશે. મોરલી ને જાદુ કહેવાય છે. મનુષ્ય થી દેવતા બને છે જ્ઞાન થી. જ્યારે સતયુગ છે તો આ જ્ઞાન નો વારસો છે. ત્યાં ભક્તિ હોતી નથી. ભક્તિ હોય છે દ્વાપર થી, જ્યારે દેવતા થી મનુષ્ય બની જાય છે. મનુષ્યો ને વિકારી, દેવતાઓ ને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓ ની સૃષ્ટિ ને પવિત્ર દુનિયા કહેવાય છે. હવે તમે દેવતા બની રહ્યાં છો. જ્ઞાન કોને કહેવાય છે? એક તો સ્વયં ની તથા બાપ ની ઓળખ અને પછી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં નોલેજ ને જ્ઞાન કહેવાય છે. જ્ઞાન થી થાય છે સદ્દગતિ. પછી ભક્તિ શરુ થાય છે તો ઉતરતી કળા કહેવાય છે કારણકે ભક્તિ ને રાત, જ્ઞાન ને દિવસ કહેવાય છે. આ તો કોઈ ની પણ બુદ્ધિ માં બેસી શકે છે પરંતુ દૈવીગુણ ધારણ નથી કરતાં. દૈવીગુણ હોય તો સમજાય જ્ઞાન ની ધારણા છે. જ્ઞાન ની ધારણા વાળાઓ ની ચલન દેવતા જેવી હોય છે. ઓછી ધારણા વાળા ની ચલન મિક્સ હોય છે. ધારણા નથી તો પછી તે બાળકો જ નથી. મનુષ્ય બાપ ની કેટલી ગ્લાનિ કરે છે. બ્રાહ્મણ કુળ માં આવે છે તો ગાળો આપવાનું, ગ્લાનિ કરવાનું બંધ થઈ જાય છે. તમને જ્ઞાન મળે છે, તેનાં પર પોતાનું વિચાર સાગર મંથન કરવાથી અમૃત મળશે. વિચાર સાગર મંથન જ નથી કરતા તો બાકી શું મંથન થશે? આસુરી વિચાર. એનાથી કચરો જ નીકળશે. હમણાં તમે ઈશ્વરીય વિદ્યાર્થી છો. જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણી રહ્યાં છો. દેવતાઓ આ ભણતર નહીં ભણાવશે. દેવતાઓ ને ક્યારેય જ્ઞાન નાં સાગર નથી કહેવાતાં. જ્ઞાન નાં સાગર તો એક ને જ કહેવાય છે. દૈવીગુણ પણ જ્ઞાન થી ધારણ થાય છે. આ જ્ઞાન જે આપ બાળકો ને હમણાં મળે છે, આ સતયુગ માં નથી હોતું. આ દેવતાઓ માં દૈવીગુણ છે. તમે મહિમા પણ કરો છો સર્વગુણ સંપન્ન… તો હવે તમારે એવાં બનવાનું છે. પોતાને પૂછવું જોઈએ મારા માં બધા દૈવીગુણ છે કે કોઈ આસુરી અવગુણ છે? જો આસુરી અવગુણ છે તો તેને કાઢી નાખવા જોઈએ ત્યારે જ દેવતા કહેવાશે. નહીં તો ઓછો દર્જો (પદ) મેળવશો.

હમણાં આપ બાળકો દૈવીગુણ ધારણ કરો છો. ખૂબ સારી-સારી વાતો સંભળાવો છો. આને જ કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે તમે પુરુષોત્તમ બની રહ્યાં છો, તો વાતાવરણ પણ ખૂબ સારું હોવું જોઈએ. મુખ થી કોઈપણ છી-છી વાત ન નીકળે, નહીં તો કહેવાશે આ ઓછા દર્જા નાં છે. બોલચાલ અને વાતાવરણ થી ઝટ ખબર પડી જાય છે. તમારું મુખડું સદૈવ હર્ષિત હોવું જોઈએ. નહીં તો એમનામાં જ્ઞાન નહીં કહેવાશે. મુખ માંથી સદૈવ રત્ન નીકળે. આ લક્ષ્મી-નારાયણ જુઓ કેટલાં હર્ષિતમુખ છે. એમનાં આત્માએ જ્ઞાન-રત્ન ધારણ કર્યા હતાં. મુખ માંથી સદૈવ જ્ઞાન-રત્ન નીકળે છે. રત્ન જ સાંભળતા-સંભળાવતા કેટલી ખુશી રહે છે! જ્ઞાન-રત્ન જે હમણાં તમે લો છો, પછી આ બધા હીરા-ઝવેરાત બની જાય છે. ૯ રત્નો ની માળા કોઈ હીરા-ઝવેરાતો ની નથી. આ જ્ઞાન-રત્નો ની માળા છે. મનુષ્ય લોકો પછી તે રત્ન સમજી વીંટી વગેરે પહેરી લે છે. આ જ્ઞાન-રત્નો ની માળા પુરુષોત્તમ સંગમયુગ પર બને છે. આ રત્ન જ તમને ભવિષ્ય ૨૧ જન્મો માટે માલામાલ બનાવે છે. આને કોઈ લૂંટી ન શકે. અહીં તમે આ હીરા-ઝવેરાત પહેરો તો ઝટ કોઈ લૂંટીને લઈ જાય. તો પોતાને ખૂબ-ખૂબ સમજદાર બનાવવાના છે. આસુરી અવગુણો ને કાઢવાના છે. આસુરી અવગુણો થી ચહેરો જ એવો થઈ જાય છે. ક્રોધ માં લાલ-લાલ તાંબા જેવો ચહેરો થઈ જાય છે. કામ વિકારવાળા તો કાળા બની જાય છે. તો બાળકોએ દરેક વાત માં વિચાર સાગર મંથન કરવું જોઈએ. આ ભણતર છે જ ખૂબ ધન મેળવવાનું. તે ભણતર કોઈ રત્ન થોડી છે? હા, જ્ઞાન ધારણ કરીને ઊંચ પોઝિશન (પદ) મેળવી લે છે. તો ભણતર કામ આવ્યું, નહીં કે પૈસા. ભણતર જ ધન છે. તે છે હદ નું ધન, પછી આ છે બેહદ નું ધન. છે બંને ભણતર. હમણાં તમે સમજો છો બાપ આપણને ભણાવીને વિશ્વ નાં માલિક બનાવી દે છે. તે અલ્પકાળ ક્ષણભંગુર નું ભણતર છે એક જન્મ માટે. પછી બીજા જન્મ માં નવેસર થી ભણવું પડે. ત્યાં ધન માટે ભણતર ની જરુર નથી. ત્યાં તો હમણાં નાં પુરુષાર્થ થી અકીચાર (અથાહ) ધન મળી જાય છે. ધન અવિનાશી બની જાય છે. દેવતાઓ ની પાસે ધન ખૂબ હતું પછી જ્યારે ભક્તિમાર્ગ અર્થાત્ રાવણ રાજ્ય માં આવ્યાં તો કેટલું હતું, કેટલાં મંદિર બનાવ્યાં છે. પછી આવીને મુસલમાનો વગેરેએ ધન લૂંટ્યું. કેટલાં ધનવાન હતાં! આજ નાં ભણતર થી આટલાં ધનવાન કોઈ બની ન શકે. તમે હમણાં જાણો છો આપણે આટલું ઊંચું ભણતર ભણીએ છીએ જેનાથી આવાં (દેવી-દેવતા) બનીએ છીએ. તો ભણતર થી જુઓ મનુષ્ય શું બની જાય છે! ગરીબ થી સાહૂકાર. હમણાં ભારત પણ કેટલો ગરીબ છે. સાહૂકારો ને તો ફુરસદ જ નથી. પોતાનો અહંકાર રહે છે - હું ફલાણો છું. આમાં અહંકાર વગેરે ખતમ થઈ જવો જોઈએ. આપણે આત્મા છીએ, આત્મા ની પાસે તો ધન-સંપત્તિ, હીરા-ઝવેરાત વગેરે કાંઈ પણ નથી. બાપ પણ કહે છે દેહ સહિત સર્વ સંબંધ છોડો. આત્મા શરીર છોડે છે તો સાહૂકારી વગેરે બધું ખતમ થઈ જાય છે. જ્યારે નવેસર થી ભણીને પછી ધન કમાય અથવા તો દાન-પુણ્ય સારું કર્યુ હોય તો સાહૂકાર નાં ઘરે જન્મ લેશે. કહે છે ને ભૂતકાળ નાં કર્મો નું ફળ છે. નોલેજ નું દાન કર્યુ હશે અથવા કોલેજ-ધર્મશાળા વગેરે બનાવી છે તો તેનું ફળ મળે છે પરંતુ અલ્પકાળ માટે. આ દાન-પુણ્ય પણ અહીં કરાય છે. સતયુગ માં નથી કરતાં. સતયુગ માં સારા જ કર્મ થાય છે કારણકે હમણાં નો વારસો મળેલો છે. ત્યાં કોઈનાં પણ વિકર્મ થતા નથી કારણકે રાવણ જ નથી. ગરીબો નાં પણ વિકર્મ નહીં બનશે. અહીં તો સાહૂકારો નાં પણ વિકર્મ બને છે. ત્યારે તો આ બીમારીઓ વગેરે દુઃખ થાય છે. ત્યાં વિકાર માં જતા જ નથી તો વિકર્મ કેવી રીતે બનશે? પૂરો આધાર છે કર્મો પર. આ માયા રાવણ નું રાજ્ય છે, જે મનુષ્ય વિકારી બની જાય છે. બાપ આવીને ભણાવે છે નિર્વિકારી બનાવવા માટે. બાપ નિર્વિકારી બનાવે છે, માયા પછી વિકારી બનાવી દે છે. રામવંશી અને રાવણવંશી નું યુદ્ધ ચાલે છે. તમે બાપ નાં બાળકો છો, તે રાવણ નાં બાળકો છે. કેટલાં સારા-સારા બાળકો માયા થી હાર ખાઈ લે છે. માયા ખૂબ પ્રબળ છે. છતાં પણ આશા રાખે છે. અધમ થી અધમ (બિલ્કુલ પતિત) નો પણ ઉદ્ધાર કરવાનો હોય છે ને? બાપે તો આખાં વિશ્વ નો ઉદ્ધાર કરવાનો હોય છે. ખૂબ નીચે પડે છે. એકદમ ચટ ખાતા માં અધમ થી અધમ બની જાય છે. એવાં નો પણ બાપ ઉદ્ધાર કરે છે. અધમ તો બધા છે રાવણ રાજ્ય માં, પરંતુ બાપ બચાવે છે. તો પણ પડતા રહે છે, તો ખૂબ અધમ બની જાય છે. તેમનું પછી એટલું ચઢવાનું નથી હોતું. તે અધમપણું અંદર ખાતું રહે છે. જેમ તમે કહો છો અંતકાળ જે… તેમની બુદ્ધિ માં એ અધમપણું જ આવતું રહેશે. તો બાપ બાળકો ને સમજાવે છે, કલ્પ-કલ્પ તમે જ દેવતા બનો છો. જાનવર બનશે શું? મનુષ્ય જ બને છે અને સમજે છે. આ લક્ષ્મી-નારાયણ ને પણ નાક, કાન વગેરે છે, મનુષ્ય છે ને? પરંતુ દૈવીગુણો વાળા છે એટલે તેમને દેવતા કહેવાય છે. આ એવાં સુંદર દેવતા કેવી રીતે બને છે, પછી કેવી રીતે પડે છે? આ ચક્ર ની તમને ખબર પડી ગઈ છે. જે વિચાર સાગર મંથન કરતા હશે તેમની ધારણા પણ સારી હશે. વિચાર સાગર મંથન જ નથી કરતા તો બુધ્ધુ બની જાય, મોરલી ચલાવવા વાળાનું વિચાર સાગર મંથન ચાલતું રહેશે. આ વિષય પર આ-આ સમજાવવાનું છે. આપોઆપ વિચાર સાગર મંથન ચાલે છે. ફલાણા આવવા વાળા છે તેમને પણ હુલ્લાસ થી સમજાવશે. બની શકે કાંઈક સમજી જાય. ભાગ્ય પર છે. કોઈ ઝટ નિશ્ચય કરશે, કોઈ નહીં કરશે. આશા રખાય છે. હમણાં નહીં તો આગળ જઈને સમજશે જરુર. આશા રાખવી જોઈએ ને? આશા રાખવી એટલે સર્વિસ નો શોખ છે. થાકવાનું નથી. ભલે કોઈ ભણીને પછી અધમ બન્યાં છે, આવે છે તો જરુર તેમને વિઝીટીંગ રુમ માં બેસાડશે કે કહેશે ચાલ્યાં જાઓ? જરુર પૂછશે આટલાં દિવસ કેમ નહીં આવ્યાં? કહેશે માયા થી હાર ખાઈ લીધી. એવાં અનેક આવે છે. સમજે છે જ્ઞાન ખૂબ સારું હતું પરંતુ માયાએ હરાવી દીધાં. સ્મૃતિ તો રહે છે ને? ભક્તિ માં તો હારવાની અને જીતવાની વાત જ નથી રહેતી. આ નોલેજ ધારણ કરવાની છે. હમણાં તમે બાપ દ્વારા સાચ્ચી ગીતા સાંભળો છો જેનાથી દેવતા બની જશો. બ્રાહ્મણ બન્યાં વગર દેવતા બની ન શકાય. ક્રિશ્ચન, પારસી, મુસલમાનો માં બ્રાહ્મણ હોતાં જ નથી. આ બધી વાતો હમણાં તમે સમજો છો.

તમે જાણો છો અલ્ફ ને યાદ કરવાના છે. અલ્ફ ને યાદ કરવાથી જ બાદશાહી મળે છે. જ્યારે પણ તમને કોઈ મળે બોલો અલ્ફ, અલ્લાહ ને યાદ કરો. અલ્ફ ને જ ઊંચ કહેવાય છે. આંગળી થી અલ્ફ નો ઈશારો કરે છે ને? અલ્ફ ને એક પણ કહેવાય છે. એક જ ભગવાન છે. બાકી તો બધા છે બાળકો. બાપ તો સદૈવ અલ્ફ જ રહે છે. બાદશાહી કરતા નથી. જ્ઞાન પણ આપે છે, પોતાનાં બાળક પણ બનાવે છે તો બાળકોએ કેટલી ખુશી માં રહેવું જોઈએ. બાબા આપણી કેટલી સેવા કરે છે. આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. પછી સ્વયં તે નવી પવિત્ર દુનિયામાં આવતા જ નથી. પાવન દુનિયા માં એમને કોઈ બોલાવતા જ નથી. પતિત જ બોલાવે છે. પાવન દુનિયા માં શું આવીને કરશે? એમનું નામ જ છે પતિત-પાવન, તો જૂની દુનિયા ને નવી બનાવવાની તેમની ડ્યુટી (કર્તવ્ય) છે. બાપ નું નામ જ છે શિવ અને સાલિગ્રામ બાળકો ને કહેવાય છે. એમની પૂજા થાય છે. શિવબાબા કહી બધા યાદ કરે છે. બીજું બ્રહ્મા ને પણ બાબા કહે છે. પ્રજાપિતા બ્રહ્મા કહે તો ઘણાં છે પરંતુ તેમને યથાર્થ રીતે જાણતા નથી. બ્રહ્મા કોનું બાળક છે? તમે કહેશો પરમપિતા પરમાત્મા શિવે તેમને એડોપ્ટ કર્યા છે. આ તો શરીરધારી છે ને? ઈશ્વર ની સંતાન બધા આત્માઓ છે. બધા આત્માઓ ને પોત-પોતાનાં શરીર છે. પોતા-પોતાનો પાર્ટ મળ્યો છે, જે ભજવવાનો જ છે. આ પરંપરા થી ચાલ્યું આવે છે. અનાદિ અર્થાત્ તેનો આદિ-મધ્ય-અંત નથી. મનુષ્ય સાંભળે છે, અંત થાય છે, તો પછી મુંઝાય છે કે પછી બનશે કેવી રીતે? બાપ સમજાવે છે આ અનાદિ છે. ક્યારે બન્યાં છીએ, આ પૂછવાનું નથી રહેતું. પ્રલય થતો જ નથી. આ પણ ગપ્પા લગાવી દીધાં છે. થોડા મનુષ્ય થઈ જાય છે એટલે કહેવાય છે જાણે કે પ્રલય થઈ ગયો. બાબા માં જે જ્ઞાન છે તે હમણાં જ ઈમર્જ (જાગૃત) થાય છે. એમનાં માટે જ કહેવાય છે - પૂરો સાગર સ્યાહી બનાવો… તો પણ પૂરું નહીં થશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં હર્ષિતમુખ થી બાપ નું નામ પ્રસિદ્ધ કરવાનું છે. જ્ઞાન-રત્ન જ સાંભળવાના અને સંભળાવવાના છે. ગળા માં જ્ઞાન-રત્નો ની માળા પડી રહે. આસુરી અવગુણો ને કાઢી દેવાના છે.

2. સર્વિસ માં (સેવા) ક્યારેય થાકવાનું નથી. આશા રાખી શોખ થી સર્વિસ કરવાની છે. વિચાર સાગર મંથન કરી ઉલ્લાસ માં રહેવાનું છે.

વરદાન :-
કનફ્યુઝ થવાનાં બદલે લુઝ કનેક્શન ને ઠીક કરવા વાળા સમસ્યા મુક્ત ભવ

બધી સમસ્યાઓ નું મૂળ કારણ કનેક્શન લુઝ થવાનું છે. ફક્ત કનેક્શન ને ઠીક કરી દો તો સર્વશક્તિઓ તમારી આગળ ફરશે. જો કનેક્શન જોડવામાં એક-બે મિનિટ લાગી પણ જાય છે તો હિંમત હારીને કનફ્યુઝ ન થઈ જાઓ. નિશ્ચય નાં ફાઉન્ડેશન ને હલાવો નહીં. હું બાબા નો, બાબા મારા - આ આધાર થી ફાઉન્ડેશન ને પાક્કું કરો તો સમસ્યા મુક્ત બની જશો.

સ્લોગન :-
બીજરુપ અવસ્થા માં સ્થિત રહેવું - આ જ જૂનાં સંસ્કારો ને પરિવર્તન કરવાની વિધિ છે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

જ્યારે સેવા માં કે પોતાનાં જૂનાં સંસ્કારો ને પરિવર્તન કરવામાં સફળતા નથી મળતી તો કોઈ ન કોઈ વિઘ્ન નાં વશ થઈ જાઓ છો. પછી એનાથી મુક્ત થવાની ઈચ્છા રાખો છો, પરંતુ શક્તિ વગર આ ઈચ્છા પૂર્ણ નથી થઈ શકતી એટલે અલંકારી રુપ બનો. શક્તિ રુપ ધારણ કરો તો બંધનમુક્ત બની જશો.